વલસાડ જિલ્લાના સોળસુંબામાં પરિવારના સામૂહિક આત્મહત્યામાં થયા ચોંકાવનારા ખુલાસા. 27 માર્ચે શિવમ વિશ્વકર્મા નામના વ્યક્તિએ પત્ની અને બાળક સાથે આત્મહત્યા કરી હતી. જેની તપાસમાં પોલીસને પહેલા તો મૃતકે લખેલી સુસાઈડ નોટ મળી હતી. જે સુસાઈડ નોટમાં FX બુલીયન ટ્રેડિંગ કંપનીના સંજય પટેલ નામના એક એજન્ટનું નામ લખેલુ હતુ. જે સંજય પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને પોલીસે તપાસ કરી તો એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. FX બુલીયન ટ્રેડિંગ ચલાવતા સુરતના મોહમ્મદ અજમલ ગરાણા, દાનિશ સલીમ ઉસ્માન શાહ, મોહમ્મદ જુનેદ અને રાજકોટના શેહબાઝ ઉમર કાસમ માલવીયાની પોલીસે ધરપકડ કરી. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે મૃતક શિવમે સુસાઈડ નોટમાં જે સંજય પટેલના નામનો ઉલ્લેખ કર્યો હતો કે સંજય નહીં પણ સુરતનો સલ્લુ હતો. નામ બદલીને સલ્લુએ શિવમ અને તેના મિત્રોને મહિને 30 ટકાનું વળતર આપવાની લાલચ આપીને FX બુલીયન ટ્રેડિંગમાં રોકાણ કરાવ્યુ હતુ.. ચારથી પાંચ લાખનું રોકાણ કર્યા બાદ છેતરાયાની જાણ થતા આખરે શિવમે પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી. એટલુ જ નહીં. પોલીસ તપાસમાં ખુલાસો એ પણ થયો છે કે સુરતના મગદલ્લા રોડ પર રહેતા મોહમ્મદ અજમલ ગરાણાએ FX બુલીયન નામની નકલી ટ્રેડિંગ કંપની શરૂ કરી હતી. જેમાં રોકાણ કરાવા માટે આરોપી મોહમ્મદ ગરાણાએ માણસો રાખ્યા હતા. સલ્લુ નામનો એ આરોપી પણ સંજય પટેલ નામ ધારણ કરીને મૃતક શિવમ પાસે રોકાણ કરાવ્યું હતુ.. હાલ પોલીસ આરોપીઓની પૂછપરછ કરીને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી અને કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલુ છે તેની તપાસ કરી રહી છે..
Category
🗞
News