દિપક ચહરે 'માંકડિંગ' ના કરીને દેખાડી દરિયાદિલી

  • 2 years ago
દીપ્તિ શર્માની માંકડિંગને કારણે ઈંગ્લીશ ક્રિકેટમાં લાગેલી આગ હજુ ઠરી નથી ત્યાં ભારતને બીજી માંકડિંગ કરવાનો મોકો મળ્યો. ફરક માત્ર એટલો હતો કે આ વખતે ભારતીય પુરુષ ટીમ પીચ પર હતી. કારણ ગમે તે હોય કેપ્ટન રોહિત શર્માની ટીમના સૂરમા દિપક ચહરે આ તકનો ફાયદો ઉઠાવ્યો નહીં. તેણે બોલનો હાથ સ્ટમ્પ તરફ લંબાવ્યો અને સ્માઇલ કરીને ગિલ્લીને પાડ્યા વગર આગળ વધ્યો. ખાસ વાત એ છે કે આ ઘટનાને અંજામ આપતી વખતે તેણે નોન-સ્ટ્રાઈક પર ઊભેલા બેટ્સમેનને ક્રિઝ પર ઊભા રહેવાની વોર્નિંગ પણ નહોતી આપી.

દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચની 16મી ઓવરમાં બોલિંગની જવાબદારી દિપક ચહરે સંભાળી હતી. પ્રથમ બોલ ફેંકવા માટે તે રન અપ સાથે નોન-સ્ટ્રાઈક એન્ડમાં પહોંચ્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ બોલ છોડે તે પહેલા ક્રિઝની બહાર હતો. બોલ ફેંકતા પહેલા ચાહર આ જોઈને ઉભો રહી ગયો હતો. તેની પાસે સ્ટબને માંકડિંગ કરવાની ભરપૂર તક હતી કારણ કે આફ્રિકન બેટ્સમેનો ક્રિઝથી ઓછામાં ઓછા ચાર કદમ આગળ નીકળી ચૂકયા હતા. પરંતુ દિપક ચહરે ઉદારતા દાખવી. તેણે બોલ સ્ટમ્પ પર માર્યો ન હતો. ચહરે સ્ટબ્સને જીવનદાન આપ્યું.