ઈન્ડોનેશિયા ફૂટબોલ મેચ દરમિયાન ફાટી નીકળી હિંસા, 127 લોકોના મોત

  • 2 years ago
ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 127 લોકોના મોત થયા છે. અને ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બે પોલીસકર્મી પણ સામેલ હોવાનું કહેવાય છે. ઈન્ડોનેશિયાની પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે.

આ ફૂટબોલ મેચ ઇન્ડોનેશિયાના એક મોટા સ્ટેડિયમમાં અરેમા એફસી અને પર્સેબાયા ક્લબ વચ્ચે રમાઈ રહી હતી. આખું સ્ટેડિયમ બંને ટીમના સમર્થકોથી ભરેલું હતું, પરંતુ પછી એક ટીમ હારી ગઈ અને બંને ટીમના પ્રશંસકો વચ્ચે લડાઈ શરૂ થઈ. આ ઝઘડો આખા સ્ટેડિયમમાં ફેલાઈ ગયો અને લોકો એકબીજા સાથે અથડાયા. સ્થિતિ એવી હતી કે ત્યાં હાજર સુરક્ષા દળોએ કોઈક રીતે પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. હિંસા વધતી જોઈને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રીય સશસ્ત્ર દળોને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. કોઈક રીતે સેનાના જવાનોએ તોફાની ભીડને સ્ટેડિયમમાંથી બહાર કાઢી હતી. સ્ટેડિયમની બહાર નીકળ્યા બાદ પણ હિંસા થઈ હતી.
આ ભયાનક દુર્ઘટના બાદ હવે ઇન્ડોનેશિયામાં ચાલી રહેલી BRI લિગ 1 ને આગામી 7 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ મેચ પૂર્વ જાવાના કંજુરાહન સ્ટેડિયમમાં ચાલી રહી હતી. તોફાનોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.